- પરિપત્રની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલ હાઈકોર્ટે માન્ય રાખી
- હાઈકોર્ટે સાત સ્ટેપમાં અનામતની જોગવાઈઓની અમલવારી કરવા સરકારને સમજાવી
મહત્વનો નિર્ણય:રાજ્યમાં પુરુષોની જેમ મહિલાઓને પણ ઓપન કેટેગરી-અનામતના લાભ મળશે, 2018ના પરિપત્રની કેટલીક જોગવાઈઓ રદ્દ કરતી હાઈકોર્ટ
અમદાવાદએક કલાક પહેલા
પરિપત્રની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલ હાઈકોર્ટે માન્ય રાખી
હાઈકોર્ટે સાત સ્ટેપમાં અનામતની જોગવાઈઓની અમલવારી કરવા સરકારને સમજાવી
રાજ્યમાં મહિલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. હાઈકોર્ટ દ્વારા 1 ઓગસ્ટ 2018ના વિવાદિત પરિપત્રની કેટલીક જોગવાઈઓ રદ્દ કરવામાં આવી છે. વિવાદ સર્જનાર પરિપત્રની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલ હાઈકોર્ટે માન્ય રાખી છે. આ જોગવાઈઓ ભરતી પ્રક્રિયાના નિયમોની વિપરિત હોવાથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. નોંધનીય છેકે, હાઈકોર્ટના આ હુકમની સીધી અસર મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીની ભરતીમાં થશે. પુરુષોને ઓપન કેટેગરી અને અનામતના જે પ્રમાણે લાભ મળે છે તે જ પ્રમાણે હવે મહિલાઓને પણ લાભ મળશે.
હાઈકોર્ટે કટેલાક મહત્વના નિર્દેશો આપ્યા
રાજ્યમાં મહિલા અનામતની અમલવારી માટે રાજ્ય સરકાર અને ગુજરાત જાહેર સેવા આયોગને હાઈકોર્ટે કટેલાક મહત્વના નિર્દેશો આપ્યા છે. મહિલા અનામતની જોગવાઈઓનું કઈ રીતે પાલન કરવું તેને લઇને હાઈકોર્ટે મહત્વની માર્ગદર્શિકા જારી કરી છે. સીધી લીટીની અનામતની અમલવારી કરવા માટે હાઈકોર્ટે સાત સ્ટેપમાં અનામતની જોગવાઈઓની અમલવારી કરવા સરકારને સમજાવી છે.
સરકારે પરિપત્ર રદ્દ કરવાની જાહેરાત કરી હતી
ફેબ્રુઆરી 2020માં LRD ભરતી મામલે થઈ રહેલા વિવાદને કારણે રાજ્ય સરકારે 1-8-18નો પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી હતી. હવે તેમાં સુધારો કરી નવો પરિપત્ર કરવામાં આવશે. આ મામલે આજે નાયબ મુખ્યમંત્રી સીએમ નિતિન પટેલે OBC, ST, SCના આગેવાનો સાથે મળીને મુલાકાત કરી હતી. તમામ આગેવાનો સાથે મુલાકાત કર્યા બાદ સરકારે LRD અનામતના પરિપત્રમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો.
પરિપત્ર મામલે બિન-અનામત અને અનામત વર્ગની મહિલા ઉમેદવારો દ્વારા વિરોધ કરાયો હતો(ફાઈલ તસવીર)
વિવાદ ક્યાંથી શરૂ થયો હતો
રાજ્ય દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી હતી.
આંદોલનકારી મહિલાઓની માંગ શું હતી
સરકારી નોકરીઓમાં જનરલ કેટેગરીની મહિલાઓ માટે અનામત રાખેલી બેઠકો પર યોગ્ય ઉમેદવાર ન મળતા ખાલી રહેલી બેઠકો ભરવા અંગે વિવાદ વકરી રહ્યો હતો. આ બેઠકોને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોથી ભરવાના 1 ઓગસ્ટ 2018ના GADના પરિપત્ર સામે રાજ્યભરમાં વિરોધ થયો હતો. અનામત પરિપત્રનો માલધારી, આદિવાસી, મહિલાઓ, OBC, SC અને ST સમાજના ઉમેદવારોએ વિરોધ કરી મહિલાઓ માટે અનામત રાખેલી ખાલી રહેલી બેઠકો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોથી નહીં પરંતુ અનામત કેટેગરીની મહિલાઓથી ભરવાની માંગ કરી રહ્યા હતા.
પરિપત્રના મુદ્દા નં. 12 અને 13ની જોગવાઈઓ સામે વિરોધ હતો
1 ઓગસ્ટ 2018ના રોજ કરવા GAD દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રના મુદ્દા નં. 12 અને 13ની જોગવાઈઓ અંગે હાલ વિવાદ ઉભો થયો હતો. આ પરિપત્ર મુજબ, મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવાનો ઉલ્લેખ છે. જેની સામે આ મહિલાઓ આંદોલન પર ઉતરી હતી.
ઠરાવ મુદ્દે અનામત-બિન અનામત વર્ગ સામે-સામે હતા
લોકરક્ષકદળ(LRD)ની પરીક્ષાને લઇને અનામત વર્ગ અને બિન અનામત વર્ગ સામ-સામે આવી ગયા હતા. અનામત વર્ગની માગ 1 ઓગસ્ટ 2018ના રોજ GAD દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને રદ્દ કરવાની હતી તો બિન અનામત વર્ગનો મુદ્દો આ પરિપત્રમાં કોઇ સુધારો ન કરવાનો હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2020માં ગાંધીનગર ખાતે બન્ને વર્ગ પોતાની માગ પૂર્ણ કરવામાં આવે તે માટે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા.
શું હતો સમગ્ર મામલો
1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે બે મહિનાથી વધુ સમય સુધી મોટી સંખ્યામાં મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પર બેઠી હતી. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો પણ ગાંધીનગરમાં ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ હતી કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહે છે, જેને લઇને આ ઠરાવનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
More Updates visit:- https://www.edufunzone.xyz/?m=1
News Sources:- Divya bhaskar